વિશ્વ ચકલી દિવસે રાધનપુરમાં ચકલી સંરક્ષણ માટે અનોખી પહેલ – માળા અને કુંડાનું વિતરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાધનપુર શહેરમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી રાધનપુર વિધાનસભા યુવા મોરચા અને શ્રી રામ સમિતિ રાધનપુરના સંયુક્ત આયોજન હેઠળ ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ રાધનપુર નગરના રામલાલ ચોક ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં શહેરના રહિશોએ હાજરી આપી અને આ અભિયાનનો લાભ લીધો હતો. ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે પાણી અને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર, શહેર યુવા મોરચા પ્રમુખ ભરત ભરવાડ, મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ, કાર્તિક ઠક્કર સહિત યુવા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉપરાંત રાધનપુર અને સાંતલપુર તાલુકા તથા શહેરના યુવા મોરચાના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મહિલા મોરચા તરફથી પણ સક્રિય ભાગીદારી જોવા મળી હતી. ચીકાભાઈ રબારી તેમજ રામ સેવા સમિતિના પ્રતાપભાઈ ઠક્કર અને હર્ષદભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા લોકોને ચકલી જેવા નિર્દોષ પક્ષીઓના સંરક્ષણ માટે આગળ આવવા અને ઘરોમાં પાણીના કુંડા તથા માળા મૂકવા અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઝડપથી ઘટતી ચકલીની સંખ્યાને બચાવવા માટે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે.
કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ સફળ રહ્યો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
