આરસેટી પાટણનો અનોખો પ્રયાસ: ૨૮ તાલીમાર્થીઓને ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીમાં કુશળતા સાથે પ્રમાણપત્ર વિતરણ

ભારત સરકાર માન્ય તાલીમ પૂર્ણ થતાં સ્વરોજગાર તરફ મજબૂત પગલું
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) પાટણ દ્વારા આયોજિત ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફીની વ્યવસાયલક્ષી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ તાલીમમાં કુલ ૨૮ ભાઈ-બહેનોને પ્રોફેશનલ કૌશલ્ય સાથે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતાં સંસ્થાના ડિરેક્ટર દિનેશભાઈ દગદીના હસ્તે તમામ તાલીમાર્થીઓને ભારત સરકાર માન્ય પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને કેમેરાની મૂળભૂત માહિતીથી લઈને આધુનિક ટેકનિક સુધીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના પ્રેક્ટિકલ સેશન દ્વારા તેમને વ્યવહારુ અનુભવ પણ અપાયો હતો, જેનાથી તેઓ સ્વતંત્ર રીતે કાર્ય શરૂ કરી શકે તેવી ક્ષમતા પ્રાપ્ત કરી છે.
તાલીમાર્થી કિરીટભાઈ સોલંકીએ પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે RSETI પાટણ દ્વારા ઉત્તમ આયોજન સાથે ગુણવત્તાયુક્ત તાલીમ આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તાલીમ પૂર્ણ થયા બાદ મળેલ પ્રમાણપત્ર તેમને પોતાના ધંધા-રોજગાર શરૂ કરવા તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ મેળવવામાં મદદરૂપ બનશે.

આ તાલીમનો સમાપન કાર્યક્રમ ગોલાપુર સ્થિત RSETI પાટણ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ડિરેક્ટર દિનેશભાઈ દગદી, ફેકલ્ટી હરેશભાઈ પટેલ અને કનુભાઈ પ્રજાપતિ, ઓફિસ આસિસ્ટન્ટ રાહુલભાઈ પટેલ, ચિરાગભાઈ રાજગોર, મનોજભાઈ મકવાણા તથા નરેન્દ્રભાઈ પટણી સહિત સંસ્થાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) પાટણ ગોલાપુર ખાતે કાર્યરત છે, જ્યાં પાટણ જિલ્લાના ૧૮ થી ૫૦ વર્ષના બેરોજગાર યુવક-યુવતીઓને મફત વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી, પશુપાલન, કમ્પ્યુટર, સીવણ, વર્મી કમ્પોસ્ટ અને બ્યુટીપાર્લર મેનેજમેન્ટ જેવા વિવિધ કોર્સ દ્વારા યુવાઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સાથે જ તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને બેંક લોન મેળવવા માટે માર્ગદર્શન અને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે. વધુ માહિતી અને નોંધણી માટે રસ ધરાવતા ઉમેદવારો ગોલાપુર પાટણ સ્થિત RSETI કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
