પાટણના ઓઢવા ગામનો વિસનગરની હોસ્ટેલમાંથી રજાઓમાં ઘરે જવા નીકળેલો ૧૩ વર્ષીય વિદ્યાર્થી ગુમ: અપહરણની આશંકાએ પોલીસ તપાસ તેજ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: મહેસાણા જિલ્લાના વિસનગરની આદર્શ વિદ્યાલયની હોસ્ટેલમાં રહી ધોરણ-૯ માં અભ્યાસ કરતો ૧૩ વર્ષીય વિદ્યાર્થી ક્રિશ વિજયભાઈ ચૌધરી ગત ૨૭ ફેબ્રુઆરીથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે. હોળી-ધૂળેટીના તહેવારોની રજા માણવા ઘરે જવા નીકળેલા આ કિશોરની કોઈ ભાળ ન મળતા આખરે પિતાએ વિસનગર શહેર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.પિતાના ખાતામાંથી પૈસા ઉપડતા જાણ થઈ
મૂળ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામનો વતની ક્રિશ ૨૭ ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે ૩:૦૦ વાગ્યે હોસ્ટેલથી નીકળ્યો હતો. તે જ સમયે પિતા વિજયભાઈના મોબાઈલ પર ક્રિશના બેંક ખાતામાંથી ૫૦૦ રૂપિયા ઉપડ્યાનો મેસેજ આવ્યો હતો. મોડી સાંજ સુધી દીકરો ઘરે ન પહોંચતા પરિવારે હોસ્ટેલના ગૃહપતિ અને સગા-સંબંધીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો.
સીસીટીવી ફૂટેજમાં દેખાયો તપાસ દરમિયાન ક્રિશ વિસનગરના રસ્તાઓ પર સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં પીઠ પર બેગ લટકાવીને જતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. પોલીસ દ્વારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળકની ઓળખ અને સંપર્કનામ: ચૌધરી ક્રિશ વિજયભાઈ (ઉંમર: ૧૩ વર્ષ ૯ મહિના) દેખાવ: ઘઉંવર્ણો વાન, પાતળો બાંધો, આશરે ૫ ફૂટ ઊંચાઈ પહેરવેશ: સફેદ શર્ટ અને કાળું પેન્ટ પરિવારજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને મદદની અપીલ કરી છે. જો કોઈને આ બાળક વિશે માહિતી મળે તો 9601099569 અથવા 9998024317 પર સંપર્ક કરવા અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.