માતૃભાષા સપ્તાહ નિમિત્તે નાલંદા વિદ્યાલયમાં ‘યુવા મહોત્સવ–2026’નું ભવ્ય આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
વિશ્વ માતૃભાષા દિવસના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નાલંદા વિદ્યાલય, રાધનપુરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત ‘યુવા મહોત્સવ – 2026’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “મળી માતૃભાષા અને ગુજરાતી”ના પ્રેરક મંત્ર સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં માતૃભાષાના મહિમા, સંવર્ધન અને પ્રસાર અંગે ઉદ્દીપક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષણપ્રેમીજનો, સાહિત્યરસિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.ઈ.ઓ.) પાટણ અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ અતિથિ તરીકે બાબુભાઈ સોલંકી હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે મેહુલભાઈ જોષી અને હેમરાજભાઈ પટેલે માતૃભાષાના મહત્વ અને આજના સમયમાં તેની પ્રાસંગિકતા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ શૈલેષભાઈ પંચાલે ગુજરાત સાહિત્ય અકાદમીની કાર્યપ્રણાલી અને સાહિત્ય પ્રસારના પ્રયત્નો અંગે સુંદર માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન રઘુભાઈ સુથારે અસરકારક અને જીવંત રીતે કરીને સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવ્યું હતું. આ કાર્યક્રમ આચાર્ય રમેશભાઈ ચૌધરી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. શાળાના સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
