પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ : સરકારની યોજનાઓથી વિદ્યાર્થીઓને વ્યાપક લાભ

નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ પાટણમાં ૩૧,૧૬૪ વિદ્યાર્થીઓને રૂ. ૨૦ થી ૩૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ
જિલ્લામાં ધોરણ ૯ થી ૧૨ ના ૨,૧૭૪ વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાનો લાભ
નાયકા (સમી), બોરુદા (સાંતલપુર), કમાલપુર (રાધનપુર) અને ઓઢવા (સરસ્વતી)માં નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજુરી
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ રહી છે. સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલ, નવી શાળાઓની મંજુરી અને કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળતાં જિલ્લાની શૈક્ષણિક સ્થિતિ મજબૂત બની રહી છે.
જિલ્લામાં હાલ સરકારી અને અનુદાનિત મળીને કુલ 274 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ કાર્યરત છે, જેમાં આશરે 57 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને રોજગારલક્ષી શિક્ષણ આપવા 52 શાળાઓમાં 10 પ્રકારના 82 વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે અને તેના માટે 82 ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત શિક્ષકોની ઘટ ન રહે તે માટે 168 જ્ઞાનસહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ મજબૂત બનાવવા પાડલા અને કોલીવાડા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા શાળા મકાનો ઉભા કરાયા છે, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ નાયકા (સમી), બોરુદા (સાંતલપુર), કમાલપુર (રાધનપુર) અને ઓઢવા (સરસ્વતી) ગામોમાં નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ સ્કોલરશીપ યોજનાઓનો પણ વ્યાપક લાભ મળ્યો છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજના હેઠળ ધોરણ 9 થી 12ના 2,174 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. જ્યારે નમો લક્ષ્મી યોજના હેઠળ 24,545 વિદ્યાર્થીનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 6,619 વિદ્યાર્થીઓને રૂ.20 હજારથી 30 હજાર સુધીની સહાય મળતા કુલ 31,164 વિદ્યાર્થીઓને લાભ થયો છે.
જિલ્લા શિક્ષાધિકારી અશોકભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લો સતત અગ્રેસર રહ્યો છે અને વિદ્યાર્થી ડ્રોપઆઉટ ઘટાડવા ખાસ પ્રયાસો હાથ ધરાયા છે. આ પ્રયાસો શિક્ષણની ગુણવત્તા અને સમાન તક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.આ તમામ પહેલોથી પાટણ જિલ્લો સંખ્યાબળ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તરફ આગળ વધી ભવિષ્યના કુશળ નાગરિકો ઘડવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
